Gujarat

લાલપુરમાં PGVCL બાકી બિલધારકોના જોડાણ કાપશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા લાલપુરમાં આગામી 17 માર્ચના રોજ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવ અંતર્ગત બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપી નાખવામાં આવશે

PGVCL કચેરી દ્વારા જણાવાયું છે કે, આ ડ્રાઈવ દરમિયાન બાકી વીજ બિલ ધરાવતા તમામ વીજ જોડાણોનો વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. સ્થળ પર કોઈ પણ પ્રકારના નાણાં સ્વીકારવામાં આવશે નહીં.વીજ બિલ ભરપાઈ કરવા અને વીજ પુરવઠો ફરીથી ચાલુ કરાવવા માટે ગ્રાહકોએ ફરજિયાતપણે PGVCL ની ઓફિસની મુલાકાત લેવી પડશે.

આ ઉપરાંત, વીજ જોડાણ ફરીથી ચાલુ કરવા માટેનો નિયત ચાર્જ પણ ભરવો પડશે. ડ્રાઈવના દિવસે મોટી સંખ્યામાં વીજ જોડાણો કાપવામાં આવનાર હોવાથી, વીજ પુરવઠો ફરીથી ચાલુ કરવામાં થોડો સમય લાગી શકે છે.વીજ તંત્ર દ્વારા ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે મેગા ડ્રાઈવ યોજાય તે પહેલાં તેમના બાકી વીજ બિલની રકમ ભરપાઈ કરી દે. આમ કરવાથી ડિસ્કનેક્શન અને ત્યારબાદ ફરીથી જોડાણ માટે લાગતી ફી તથા વીજ પુરવઠાથી વંચિત રહેવાની સ્થિતિ ટાળી શકાશે.આ અંગે લાલપુર PGVCL કચેરી દ્વારા એક યાદીમાં માહિતી આપવામાં આવી છે.