અમદાવાદ ગ્રામ્યના માંડલ અને જાલીસણા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ વિતરણ વ્યવસ્થામાં મોટો વિક્ષેપ સર્જાયો છે. ઇન્ડેન ગેસ એજન્સીઓમાં ઓનલાઈન સિસ્ટમ ઠપ થઈ જતાં અને કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો અટકી પડતાં ગ્રાહકોમાં ભારે રોષ અને અસમંજસ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક બાદ તાલુકા કક્ષાએ મામલતદારોને કડક સૂચના આપવામાં આવી છે. જોકે, સ્થાનિક સ્તરે અછત ન સર્જાય અને સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તે માટે તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ માંડલ અને જાલીસણા ગેસ એજન્સીઓ પર અત્યારે ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ, ગેસ બુકિંગ માટેની મોબાઈલ એપ, કોમ્પ્યુટર સર્વર અને સોફ્ટવેર છેલ્લા ઘણા સમયથી કામ કરતા નથી. ટેલિફોનિક મિસકોલથી થતું બુકિંગ પણ બંધ છે.
ઇન્ડિયન ઓઈલ કંપનીની સૂચના મુજબ ગ્રાહકના મોબાઈલમાં આવતા DAC કોડ વગર ડિલિવરી શક્ય નથી, પરંતુ સર્વર પ્રોબ્લેમના કારણે ગ્રાહકોને આ કોડ પણ મળી રહ્યો નથી. એલપીજીનો બિનજરૂરી સંગ્રહ ન થાય. કાળાબજારી ન થાય. એજન્સીઓ દ્વારા વિતરણ સુનિશ્ચિત થાય. અછત ન સર્જાય. તાલુકામાં નિયમિત તપાસ કરવા પણ કહ્યું છે. કોઈ સમસ્યા હોય તો કચેરીને જાણ કરવા સૂચના છે.
કોમર્શિયલ ગેસનો પુરવઠો 8 માર્ચથી બંધ છે સાણંદના માધવનગર સ્થિત હેડ ઓફિસથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો 8 માર્ચથી સાવ બંધ કરી દેવાયો છે. જાલીસણા એજન્સી દ્વારા વિઠલાપુર, બેચરાજી અને સીતાપુર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં માસિક 2800થી વધુ કોમર્શિયલ બોટલનું વિતરણ કરવામાં આવે છે. આ પુરવઠો અટકી જતાં હોટલ, રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

