Gujarat

ભરૂચમાં મુખ્યમંત્રી આજે 1350‎ કરોડના વિકાસકામોની ભેટ આપશે‎

ભરૂચ જિલ્લામાં શનિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 1,350 કરોડના ખર્ચથી વિવિધ વિકાસકામોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકામોથી 3 લાખથી વધારે લોકોની સુવિધામાં વધારો થશે.

ભરૂચના ઝાડેશ્વર ઝાડેશ્વર સ્થિત સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે સાંજે 4 વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વિકાસ ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લાને અંદાજિત રૂપિયા 1350 કરોડ ઉપરાંતના કુલ 139 વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યોની ભેટ આપશે.

જિલ્લા પંચાયત તરફથી કુલ રૂ. 309 કરોડના ખર્ચે 95 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.જિલ્લા પંચાયત હસ્તક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ પાંચ કોમર્શિયલ શોપિંગ સેન્ટર કમ રેસ્ટ હાઉસનું રૂ. 50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમાર્થીઓ આવતાં હોય છે.

તેમની સુવિધા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ 8 વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવનાર છે, જે પરિક્રમાર્થીઓ માટે આરામ અને નિવાસ માટે મહત્વપૂર્ણ સુવિધા પૂરી પાડશે. ગ્રામ્ય સ્તરે વહીવટ વધુ સુવિધાજનક બનાવવા 64 ગ્રામ પંચાયત ઘરોનું રૂ. 16 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

ભરૂચ ખાતે રૂ. 13.60 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું રમતગમત સંકુલ શરૂ થવાથી જિલ્લાના યુવાનોને રમતગમત માટે આધુનિક સુવિધાઓ મળશે અને અંદાજે 2 લાખ લોકોને તેનો લાભ થશે.તે ઉપરાંત શહેરી વિસ્તારોમાં રૂ. 15.88 કરોડના ખર્ચે રોડ તથા પેવર બ્લોકના કામોના ખાતમુહૂર્તથી આશરે 50હજાર નાગરિકોને લાભ થશે.