મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પૂર્વ પટ્ટીના બે આદિવાસી જિલ્લાઓ પંચમહાલ અને દાહોદ માં એક જ દિવસમાં ૧૧૦૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કર્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિતોને વરિયતાના કાર્યમંત્ર સાથે આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસના આપેલો વિચાર ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં સાકાર થઈ રહ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં પંચમહાલ જિલ્લામાં ૭૩૨ કરોડ રૂપિયાના ૧૧૨ કામો તથા દાહોદ જિલ્લામાં ૩૬૭ કરોડ રૂપિયાના ૧૨૦૦થી વધુ કામોની ભેટ આદિજાતિ પરિવારોને આપી હતી.
શ્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબાના ૭૯ ગામોના ૧૩૦ તળાવમાં પાનમ જળાશયનું પાણી પહોંચાડવાની અંદાજે રૂપિયા ૪૦૬ કરોડની ઉદવવહન સિંચાઈ પાઇપલાઇન યોજનાનું લોકાર્પણ કર્યું હતું.
આ યોજનાના પરિણામે અંદાજે ૮૬ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈની સુવિધા મળતી થશે. પાનમ જળાશયમાંથી આ હેતુસર ૨૩૬ ફૂટ ઊંચાઈથી પાણી લિફ્ટ કરીને ૨૦૫ કિલોમીટર લાંબી વિતરણ પાઇપલાઇન મારફતે વહેવડાવવામાં આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાણીને જ વિકાસનો મુખ્ય આધાર ગણવાતા આ અવસરે કહ્યું કે, રાજ્યના અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી બેલ્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૩૧૬૦ કરોડના ખર્ચે ૧૧ ઉદવાહન સિંચાઈ યોજનાથી ૨ લાખ ૨૩ હજાર એકર જમીનને સિંચાઈ સુવિધા પૂરી પાડવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારના આ વર્ષના ૪ લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક બજેટમાં પણ આદિવાસી વિસ્તારોમાં સિંચાઈની સગવડ આપવા ૪૮૫ કરોડ રૂપિયાની જાેગવાઈ લિફ્ટ ઈરિગેશન માટે સુનિશ્ચિત કરી છે.
એટલું જ નહિ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત લિફ્ટ ઈરિગેશનથી ૧૮ તાલુકાઓના ૫૧,૪૮૦ હેક્ટર જમીન વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું પ્રાવધાન કર્યું છે.
તેમણે પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં મુખ્યત્વે આરોગ્ય, શિક્ષણ, રોડ નેટવર્ક, પાણીની સુવિધાના વિકાસ કામોની ભેટ આપી હતી.
વડાપ્રધાનશ્રીએ જાહેર કરેલા આકાંક્ષી જિલ્લાઓ-એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટમાં સમાવેશ થયેલા દાહોદ જિલ્લાને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં લીડ લેનારો ઇન્સ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ બનવાનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું હતું.
આ લોકાર્પણ અને ખાત મુહુર્ત અવસરે મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારા અને પી. સી. બરંડા, સાંસદશ્રી રાજપાલસિંહ જાદવ, શ્રી જશવંતસિંહ ભાભોર, રાજ્યસભા સાંસદશ્રી ડૉ. જસવંતસિંહ પરમાર, બંને જિલ્લાના ધારાસભ્યોશ્રીઓ, સ્થાનિક પદાધિકારીઓ, બંને જિલ્લાના કલેક્ટરશ્રીઓ સહિતના વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા.

