રાજ્યમાં મુદત પૂર્ણ થતા જિલ્લા અને તાલુકા પંચાયતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની મુદત તેની પ્રથમ બેઠકથી પાંચ વર્ષ સુધીની હોય છે અને મુદત પૂર્ણ થાય તે પહેલાં સામાન્ય ચૂંટણી યોજવાની જોગવાઈ છે.
આ જોગવાઈ અનુસાર પોરબંદર જિલ્લા પંચાયત તથા પોરબંદર તાલુકા પંચાયત,રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતની મુદત આજે તા. 17 માર્ચ-2026 સુધી પૂર્ણ થનાર હોવાથી, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી જિલ્લા અને તાલુકાઓની કામગીરી સુચારુ રીતે ચાલુ રહે તે માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકાર દ્વારા અધિકારીઓની વિગત મંગાવવામાં આવી હતી. પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયતના 72 સભ્યની બોડી હાલ કાર્યરત છે. અને ચાલુ બોડીની મુદ્દત આજે તા.17 માર્ચ 2026 રોજ પૂર્ણ થશે.
હજુ ચૂંટણી જાહેર નથી થઈ જેથી આવતીકાલે તા.18 માર્ચથી વહીવટદાર સાશન અમલમાં આવી જશે. આ વહીવટદાર ચૂંટણી બાદ નવી કારોબારી સમિતિ રચાય ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતના દૈનિક વહીવટ અને કામગીરી સંભાળશે. ઉલ્લેખનીય છેકે ગત ટર્મમાં 4 માસ વહીવટદાર શાશન રહ્યું હતું.

