ખેરાલુ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓ પર થઈ રહેલા જીવલેણ એસિડ હુમલાઓએ માનવતાને શરમાવી દીધી છે. ટૂંકા ગાળામાં સતત બની રહેલી આ ઘટનાઓને પગલે સમગ્ર નગરમાં જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અમાનવીય કૃત્યો આચરનારા તત્વોને પકડવા અને પશુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નગરજનો દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટના શહેરમાં ગત તારીખ 7 માર્ચના રોજ 3 ગાયો અને 1 આખલા પર એસિડ ફેંકવાની ઘટના સામે આવી હતી. આ સિલસિલો અહીં અટક્યો નથી, ત્યારબાદ 13, 15 અને 17 માર્ચના રોજ પણ સતત પશુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. વારંવાર બનતી આ ઘટનાઓ દર્શાવે છે કે અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી.

પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ સ્થાનિકોએ નગરપાલિકા સમક્ષ માગ કરી છે કે, એસિડ એટેકમાં ગંભીર રીતે દાઝેલા પશુઓને તાત્કાલિક સરકારી પશુ ચિકિત્સક દ્વારા સઘન સારવાર પૂરી પાડવામાં આવે. આ ઉપરાંત રસ્તા પર રખડતા પશુઓ આવા હુમલાઓનો સરળ શિકાર બની રહ્યા હોવાથી નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઝુંબેશ હાથ ધરી તમામ પશુઓને સુરક્ષિત રીતે પાંજરાપોળ ખસેડવાની માગ કરવામાં આવી રહી છે.

