રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. માર્ચ મહિનાના અંત સુધી આચારસંહિતા લાગુ થવાની શક્યતા છે, ત્યારે પણ મનપાનાં તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાંચ ટાઉનશીપની ખાલી પડેલી 52 દુકાનોની હરાજી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે.
મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા આવક વધારવાના હેતુથી આ આવાસ યોજનાઓની દુકાનો વેચવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પૈકી વકિલ ઈમાનદાર ટાઉનશીપ અને લાલુભાઈ પારેખ ટાઉનશીપની કુલ 19 દુકાનોની હરાજી માટે કમિશનર તુષાર સુમેરા દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. તો અન્ય 3 ટાઉનશીપની 33 દુકાનો માટે હાલ મ્યુ. કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
શિવ ટાઉનશીપની દુકાનોની અપસેટ કિંમત 15 લાખથી વધુ એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળતી વિગત અનુસાર, રાજકોટ શિવ ટાઉનશીપ સામે આવેલ વકિલ ઇમાનદાર ટાઉનશીપની 9 દુકાનો અને લાલુભાઈ પારેખ ટાઉનશીપ ખાતે 10 દુકાનો માટે મંજૂરી મળી ચૂકી છે. આ ઉપરાંત, સ્માર્ટઘર યોજના-2 અંતર્ગત સિતાજી ટાઉનશીપની 20 દુકાનોની હરાજી પણ કરવામાં આવશે, જેમાં સેકન્ડ ફ્લોર પર આવેલી 19 દુકાનોનો સમાવેશ થાય છે.
આ દુકાનોનો કાર્પેટ એરિયા 17.94 ચોરસ મીટરથી 21.21 ચોરસ મીટર સુધીનો છે, જ્યારે તેની અપસેટ કિંમત રૂ. 15,10,000થી રૂ. 15,30,000 સુધી નિયત કરવામાં આવી છે. આ હરાજી દ્વારા મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં આવક થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

