રાજકોટ રેન્જમાં થતી ગુનાખોરી પર અંકુશ લાવવા માટે સૌરાષ્ટ્રભરમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ટોળકી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આપવામાં આવેલી સૂચના આધારે રાજકોટ જિલ્લાના વિંછીયા પોલીસ સ્ટેશનમાં કુલ 19 શખસો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પાલીતાણાના કુખ્યાત તસ્કર રણજીત ઉર્ફે બોડીયો અને તેની ગેંગના 18 શખસોએ છેલ્લા 10 વર્ષમાં રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી સહિતના જિલ્લામાં 80 ચોરીના ગુના સહિત લૂંટ, દુષ્કર્મ, દારૂ, જીવલેણ અકસ્માત સહિત 92 ગુનાને અંજામ આપ્યો છે.
હાલ પોલીસે 10 શખસોની ધરપકડ કરી છે, જ્યારે 4 આરોપી જેલમાં છે જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને મુખ્ય સૂત્રધાર સહિતના 5 શખસો ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય સહીત સૌરાષ્ટ્રભરમાં દિવસ રાત બંધ મકાનને ટાર્ગેટ બનાવી ઘરફોડ ચોરીને અંજામ આપતા 19 શખસો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે કુલ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ચાર આરોપી જેલમાં બંધ છે જેનો કબ્જો મેળવી તેમની ધરપકડ કરવામાં આવશે.

