Gujarat

પરોઢે ફૂંકાયેલા વાવાઝોડાના લીધે બની કરુણ ઘટના

વાવાઝોડામાં પતરાં અને ઇંગલો પડતાં પત્નીનું મોત, પતિ ગંભીર

બહુચરાજી પાસેના હાંસલપુર ગામે ગુરુવારે પરોઢે ફૂંકાયેલા વાવાઝોડામાં કાચા મકાનનાં પતરાં અને ઇંગલ પડતાં ૬૫ વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પતિને ગંભીર ઇજા થતાં મહેસાણા સારવાર માટે ખસેડાયા છે.

હાંસલપુર ગામમાં ટીપી રોડ નીકળતાં હોઇ સરકારી પડતર જમીનમાં આવેલા કાચાં-પાકાં મકાન તોડી પડાયાં હતાં. જેમાં રામજીજી વજાજી ઠાકોરનું મકાન પણ હતું. આથી દંપતી બે મહિનામાં વાડી વિસ્તારમાં કાચું મકાન બાંધીને રહેતું હતું. ગુરુવારે પરોઢે વાવાઝોડામાં મકાન ઉપરનાં પતરાં અને ઇંગલો પડતાં લીલાબેન રામજીજી ઠાકોર (૭૦) અને તેમના પતિ રામજીજી વજાજી ઠાકોરને ગંભીર ઈજાઓ થઇ હતી.

ગામમાં રહેતા પુત્ર મનુજીએ કરેલો ફોન નહીં ઉપડતાં તે બંને ભાઇઓ ખેતરે દોડી ગયા હતા. ત્યારે માતા-પિતાને લોહીલુહાણ હાલતમાં જાેતાં સારવાર માટે દવાખાને લઇ ગયા હતા. જ્યાં લીલાબેનને તબીબે મૃત જાહેર કર્યા હતા.

જ્યારે રામજીજી ઠાકોરને ગંભીર ઇજાઓ થઇ હોવાથી વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરાયા છે. હાથે-પગે ફ્રેક્ચર અને મગજમાં ક્રેક પડી હોવાનું નિદાન થયું હોવાનું સામે આવ્યું હતું.