Gujarat

નરોડામાં ‘ઝુલેલાલ મહોત્સવ‘ની ભવ્ય ઉજવણી, પ્રથમવાર રૂ. ૩ કરોડનો વીમો લેવાયો

અમદાવાદના નરોડા વિસ્તારમાં સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝુલેલાલજીના જન્મોત્સવ ‘ચેટીચંડ‘ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે બપોરે ૧ કલાકે એક શાહી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પ્રસ્થાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીલી ઝંડી બતાવીને કરાવશે. નરોડા પાટિયાથી શરૂ થઈ કુબેરનગર અને સરદારનગર જેવા સિંધી બહુલ વિસ્તારોમાં ફરનારી આ યાત્રામાં ૧૦૦ જેટલી ઝાંખીઓ દ્વારા સિંધી સંસ્કૃતિ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો‘ જેવા સામાજિક સંદેશાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે પ્રથમવાર સમગ્ર શોભાયાત્રાનો ૩ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હતો, જે આ આયોજનની વિશેષતા હતી. ધારાસભ્ય પાયલ કુકરાણી અને સ્થાનિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉત્સવને લઈને સમગ્ર પૂર્વ અમદાવાદના સિંધી સમાજમાં ભારે ઉત્સાહ હતો.