ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતા ગુજરાત બોર્ડે, વિદ્યાર્થીઓએ અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જાે હવે પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટેના પ્રયાસ પણ શરૂ કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૪૫ જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાં પોલીસ સુરક્ષા હેઠળ પેપર ચકાસણી પણ શરૂ કરવામાં આવી છે. પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થાય તે માટે વધારે સ્ટાફ રાખીને પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી આ વર્ષે પણ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર થઈ શકે છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ૪૫ પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી
ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૮ માર્ચના પૂર્ણ થતા જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં પેપર ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના ૪૫૪ મૂલ્યાંકન કેન્દ્ર પર અંદાજે ૭૫ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પેપર ચકાસણીની કામગીરીમાં જાેડાયા છે. સવારે ૧૧ વાગ્યાથી લઈને સાંજે ૫ વાગ્યા સુધી તમામ પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં પણ ૪૫ જેટલા પરીક્ષા સેન્ટર પર પેપર ચકાસણી ચાલી રહી છે. ૪૦૦૦ કરતાં વધુ સ્ટાફ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પરીક્ષાના પેપરની કામગીરીમાં જાેડાયા છે.
પેપર ચકાસણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા ગોઠવાઈ
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર પેપર પણ સ્ટ્રોંગ રૂમમાં બનાવવામાં આવ્યો છે. જ્યાં અલગ વિષયના પેપર પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જે બાદ અલગ વિષયના શિક્ષકને પેપર ડિવાઇડ કરીને પેપર ચકાસણી માટે આપવામાં આવે છે. પેપર ચકાસણીમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ સુરક્ષા પણ ગોઠવવામાં આવી છે. હથિયાર સાથે પોલીસ સ્ટાફ દ્વારા સ્ટ્રોંગ રૂમ બહાર દેખરેખ રાખવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ વહેલા જાહેર કરવા માટે વધારે સ્ટાફ રાખીને કામગીરીને ઝડપી બનાવવામાં આવી રહી છે. તેમજ શિક્ષણ બોર્ડ દ્વારા પણ પેપર ચેકિંગની કામગીરી ઝડપી પૂર્ણ કરી ગુજરાત બોર્ડમાં જમાં કરાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.
૬૧૧ બિલ્ડિંગમાં કુલ ૧,૭૩,૮૬૮ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી
અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ ૨૦ ઝોન બનાવવામાં આવ્યા હતા. જેમાં ૬૧૧ જેટલા બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ધોરણ ૧૦માં ૩૪૨ બિલ્ડિંગમાં ૧,૦૦,૯૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૦૦ બિલ્ડિંગમાં ૫૮,૬૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૯ બિલ્ડિંગમાં કુલ ૧૪,૩૩૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એટલે કે ૬૧૧ જેટલા બિલ્ડિંગમાં કુલ ૧,૭૩,૮૬૮ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી.
‘અંદાજે ૧૦ દિવસમાં પેપર ચકાસણી પૂર્ણ થઈ જાય તેવા પ્રયાસ‘
મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રના ઝોન અધિકારી ભાવિન દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે. જેમાં અત્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪ વિષય જેમાં એકાઉન્ટ, એસપીસીસી, આંકડાશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થાનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અમારા સેન્ટર પર ૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓ મૂલ્યાંકન કામગીરીમાં જાેડાયેલા છે. તેમજ વહેલામાં વહેલી તકે વિદ્યાર્થીઓને પરિણામ મળે તે માટે પેપર ચકાસણી પણ ઝડપી કરવામાં આવી રહી છે. બોર્ડ દ્વારા ઝડપી પ્રક્રિયા પૂર્ણ જેવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. અમારા સેન્ટર પર ૭૫ કરતાં વધુ વિદ્યાર્થીઓ મૂલ્યાંકન પ્રક્રિયા કરી રહ્યા છે, જેથી અંદાજે ૧૦ દિવસમાં પેપર ચકાસણી પૂર્ણ થઈ જાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

