Gujarat

રાજકોટ SOGએ ગેસ સિલિન્ડર કાળાબજાર રેકેટ ઝડપ્યું

રાજકોટ ગ્રામ્ય SOGએ ગોંડલ તાલુકાના રીબડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અને કાળાબજારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ‘સાંઈપ્રેમ ગેસ એજન્સી’ પર દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ SOG ટીમે આ કાર્યવાહી કરી હતી. રીબડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉમિયા ગેટ નંબર 4 પાસે આવેલી એજન્સી પર ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે અહીં સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વિના જોખમી રીતે ગેસ રિફિલિંગ થતું હતું.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ એજન્સી દ્વારા નિર્ધારિત બજાર કિંમત કરતાં ઊંચા ભાવે ગેસ સિલિન્ડરનું વેચાણ થતું હતું. 4 કિલોના સિલિન્ડર રૂ. 1000ના બદલે રૂ. 1500માં, 12 કિલોના સિલિન્ડર રૂ. 1500ના બદલે રૂ. 2500માં અને 21 કિલોના મોટા સિલિન્ડર રૂ. 3500માં વેચવામાં આવતા હતા, જેના પર સીધો રૂ. 1000નો નફો કમાવવામાં આવતો હતો.