Gujarat

સેક્ટર ૧થી ૩૦માં ઉડતી ધૂળથી છૂટકારો મળશે

પ્રથમ તબક્કે ‘ઘ‘, ‘ચ‘ અને ‘છ‘ રોડને આધુનિક પદ્ધતિથી ડસ્ટ-ફ્રી કરાશે

ગુજરાતના પાટનગર અને હરિયાળા શહેર તરીકે જાણીતા ગાંધીનગરના ગૌરવમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને ડસ્ટ ફ્રી સિટી બનાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં સેક્ટર ૧થી ૩૦ને સંપૂર્ણપણે ધૂળમુક્ત કરવાનો દાવો કરાયો છે. જે અન્વયે પ્રથમ તબક્કે ઘ, ચ, છ, ખ, ગ એમ આડા અને ઊભા રસ્તાઓને બ્લોકિંગ-બ્યુઇટિફિકેશન કરીને ડસ્ટ ફ્રી કરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીની પણ લીલી ઝંડી

ગાંધીનગર મનપાના બજેટમાં શહેરના આંતરિક અને મુખ્ય માર્ગોને ડસ્ટ-ફ્રી કરવા માટે વિશેષ જાેગવાઈ કરવામાં આવી હતી. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પણ લીલી ઝંડી આપી દીધી છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રોડની આસપાસ જામતી માટીને રોકીને પ્રદૂષણ ઘટાડવાનો અને શહેરની સુંદરતામાં વધારો કરવાનો છે.

રોડની બંને બાજુએ બ્યુટિફિકેશન, પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન

મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનની શરૂઆત શહેરના મુખ્ય ધમધમતા માર્ગોથી કરવામાં આવશે. જેમાં ઘ ,ચ , છ , ખ, અને જ રોડ એટલે કે આડા ઊભા રસ્તાઓનું પેવર બ્લોક બ્યુટિફિકેશન કરવામાં આવશે. આ ત્રણ મુખ્ય રોડ અને તેને જાેડતા સેક્ટરોના માર્ગો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. અહીં રોડની બંને બાજુએ પેવિંગ, ગ્રાસિંગ અને પ્લાન્ટેશન કરીને ખુલ્લી માટીને ઢાંકી દેવામાં આવશે, જેથી પવન કે વાહનોની અવરજવરથી ધૂળ ન ઉડે.

અત્યાધુનિક ટેકનોલોજી ને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ

મનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડસ્ટ-ફ્રી પ્રોજેક્ટ માટે અત્યાધુનિક ટેકનોલોજી અને મિકેનિકલ સ્વીપિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. રોડ અને ફૂટપાથ વચ્ચેની જે જગ્યા ખાલી હોય છે, ત્યાં બ્લોક્સ નાખવામાં આવશે. જ્યાં શક્ય હોય ત્યાં નાની ક્યારીઓ બનાવીને છોડ રોપવામાં આવશે.

રિંગ રોડ આઇકોનિક ટાઇપમાં ડેવલપ થશે

વધુમાં, રોડની સફાઈ માટે અત્યાધુનિક વેક્યુમ સ્વીપર મશીનો કામે લગાવવામાં આવશે, જે ધૂળના રજકણોને હવામાં ઉડતા અટકાવશે. આ સિવાય આંતરિક માર્ગો અને રિંગ રોડને પણ આઇકોનિક ટાઇપ રીતે ડેવલપ કરવામાં આવશે.

લોકોના સ્વાસ્થ્ય પર સારી અસર પડશે

ગાંધીનગર ડસ્ટ ફ્રી સિટી બનવાથી માત્ર સુંદરતા જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે. ઉડતી ધૂળને કારણે થતા શ્વાસના રોગો અને એલર્જીની સમસ્યામાં મોટો ઘટાડો થશે. ખાસ કરીને વહેલી સવારે વોકિંગ માટે નીકળતા નાગરિકો અને વાહનચાલકોને ક્લીન એર મળશે.

પહેલાં ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના હતી તે પડતી મુકાઈ

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરને દેશનું પ્રથમ ડસ્ટ-ફ્રી સિટી બનાવવા પૂર્વ મુખ્યમંત્રી અને ઁસ્ નરેન્દ્ર મોદીએ કલ્પના કરી હતી. તેનાં માટે દરેક માર્ગની સાઇડ પરની અને જાહેર સ્થળો આસપાસની ખુલ્લી જગ્યા પર સતત ભેજને જાળવી રાખીને ધૂળને શોષી લેતા ઓસ્ટ્રેલિયન ઘાસ ઉગાડવાની યોજના અમલી બનાવાઇ હતી, પરંતુ જાળવણીના મામલે આ યોજના ખર્ચાળ સાબિત થતાં પડતી મૂકી દેવામાં આવી હતી. તેના વિકલ્પે આવા સ્થળોએ પેવર બ્લોક પાથરવાનો ર્નિણય લેવાયો હતો.

ફૂટપાથ ઉપરાંત ખુલ્લી રહેતી જગ્યામાં પેવર બ્લોકિંગ

ડસ્ટ-ફ્રી સિટી કોન્સેપ્ટ અંતર્ગત સિમેન્ટ કોન્ક્રિટના સિમેન્ટ બ્લોક પાથરવાની ૮૦-૨૦ની ટકાવારી મુજબ ખર્ચની યોજના લોકભાગીદારીથી અમલી કરવામાં આવી છે. તેમાં સોસાયટીઓમાં સરકારના ૮૦ ટકા અને લોકોના ૨૦ ટકા ખર્ચ ભાગીદારીનાં ધોરણે કામ કરી આપવામાં આવે છે. આ યોજનાને વ્યાપક લોક પ્રતિસાદ પણ મળ્યો છે. હવે આ યોજના ઉપરાંત રોડની સાઇડ પર ફૂટપાથ ઉપરાંતની ખુલ્લી રહેતી જગ્યામાં પણ પેવર બ્લોકિંગ બ્યુટિફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવનાર છે.