જામનગરમાં વિક્ટોરિયા પુલ નજીક એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના વિક્ટોરિયા પુલ પાસેના ભારત પેટ્રોલિયમ પંપ અને ફોજી ઢાબા નજીક બની હતી. ચાલુ સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાના સાક્ષી બનેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને (112) જાણ કરી હતી. જામનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સ્કૂટરને મોટું નુકસાન થયું છે. ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

