Gujarat

22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર બે જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.

એકની એક દીકરીએ માતા ગુમાવી મળતી માહિતી મુજબ, હોડી બંગલા આશિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોવાડીયા ફળિયામાં સિદ્ધિકભાઈ ખટીક પોતાના પરિવાર સાથે રહે છે. સિદ્ધિકભાઈ કતારગામ વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પૂર્વે તેમના લગ્ન સાદીયા (ઉં.વ. 22) સાથે થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં આઠ મહિનાની એક પુત્રી પણ છે.

પત્નીને લટકતી હાલતમાં જોઈ પતિ સ્તબ્ધ થઈ ગયો બનાવની વિગતો એવી છે કે, ગતરોજ બપોરે સિદ્ધિકભાઈ તેમના પિતાને કતારગામ સ્થિત ચિકનની દુકાને મૂકવા ગયા હતા. આ દરમિયાન સાદીયા ઘરે પોતાની આઠ મહિનાની બાળકી સાથે એકલી હતી. કોઈ અગમ્ય કારણોસર સાદીયાએ ઘરના પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સિદ્ધિકભાઈ દુકાનેથી પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાલગેટ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ લાલગેટ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.