Gujarat

ગીરના જંગલમાં વન વિભાગે ૪૦૦ હેક્ટરમાંથી આક્રમક કુવાડિયાનો સફાયો કરી કુદરતી ઘાસ ઉગાડાયું

એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વપ્રસિદ્ધ ગીરના જંગલની સુંદરતા અને તેની ઇકોસિસ્ટમ ત્યાંની અતૂટ આહાર શૃંખલા પર ટકેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગીરના કુદરતી ઘાસના મેદાનો પર ‘કુવાડિયા‘ નામની આક્રમક વનસ્પતિએ કબજાે જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી, જેની સીધી અસર આખી ઇકોસિસ્ટમ પર જાેવા મળતી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પરિણામે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય ફરી ખીલી ઉઠ્યું છે.

કુવાડિયાનું પ્રમાણ વધતા ધાસનું પ્રમાણ ઘટે છે: પ્રશાંત તોમર

જૂનાગઢ વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરે આ અભિયાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં જે આક્રમક વનસ્પતિઓ છે, જેનો ઉલ્લેખ વન વિભાગના મેનેજમેન્ટ પ્લાનમાં પણ છે, તેમાંની મુખ્ય વનસ્પતિ ‘કુવાડિયા‘ છે. વૈજ્ઞાનિક રીતે ‘સેના ટોરા‘ તરીકે ઓળખાતી આ વનસ્પતિ સ્થાનિક કુદરતી ઘાસ સાથે સ્પર્ધા કરે છે અને તેના પર હાવી થઈ જાય છે. જ્યારે કુવાડિયાનું પ્રમાણ વધે છે ત્યારે તૃણાહારી પ્રાણીઓને પૂરતું ઘાસ મળતું નથી, જેના કારણે શિકારી પ્રાણીઓ અને સમગ્ર આહાર શૃંખલા પ્રભાવિત થાય છે. આ પડકારને પહોંચી વળવા વન વિભાગે દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારમાં આશરે ૪૦૦ હેક્ટર જમીન પર ‘મિકેનિકલ કટર્સ‘ દ્વારા કુવાડિયાને જમીનદોસ્ત કરવાનો પ્રયોગ કર્યો હતો.

વન વિભાગે ‘ઝિંઝુડો‘ અને ‘શણિયાર‘ જેવા પૌષ્ટિક ઘાસનું વાવેતર કર્યું

કુવાડિયાના કટિંગ બાદ વધારાનો કચરો સુકાઈ જતા વન વિભાગ દ્વારા ત્યાં સ્થાનિક અને પૌષ્ટિક ઘાસની પ્રજાતિઓ જેવી કે ‘ઝિંઝુડો‘ અને ‘શણિયાર‘નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ માટે સીડ બોલ્સ, ઘાસના બીજ અને ટસક (ઘાસના મૂળિયાં)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગના પરિણામો અત્યંત પ્રોત્સાહક રહ્યા છે. આજે એ આખો વિસ્તાર ફરીથી ઘટાદાર કુદરતી ઘાસથી ભરાઈ ગયો છે. કુવાડિયાનું નામનિશાન મટી ગયું છે અને કુદરતી ઘાસે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું છે, જે વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે.

‘કુવાડિયાને કારણે ખોરવાયેલી આહાર શૃંખલા ફરી જીવીત થઈ’

આ પર્યાવરણીય ફેરફારની સીધી અસર ગીરના વન્યજીવો પર જાેવા મળી રહી છે. આ નવપલ્લવિત મેદાનોમાં હવે ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ટોળા ર્નિભયપણે ચરતા જાેવા મળે છે. તૃણાહારી પ્રાણીઓની હાજરી વધતા સિંહ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ પણ આ વિસ્તારમાં ફરીથી સ્થાયી થયા છે. જે આહાર શૃંખલા કુવાડિયાને કારણે ખોરવાઈ ગઈ હતી, તે હવે ફરીથી મજબૂત બની છે. વન વિભાગ માટે આ એક ‘વિન-વિન‘ સ્થિતિ છે, જેમાં પ્રકૃતિના સંતુલનની સાથે વન્યજીવોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થયું છે.

ગીરના માલધારીઓને પણ મોટો ફાયદો થયો

માત્ર વન્યજીવો જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટથી સ્થાનિક માલધારી સમુદાયને પણ મોટો ફાયદો થયો છે. નેસની આસપાસના વિસ્તારોમાં જ ઉત્તમ પ્રકારનું ઘાસ ઉપલબ્ધ થતા માલધારીઓએ પશુ ચરાવવા માટે જંગલના ઊંડાણવાળા વિસ્તારોમાં જવું પડતું નથી. આનાથી વન્યજીવોના મૂળ રહેઠાણમાં માનવીય દખલગીરી ઘટી છે અને માલધારીઓના પશુઓને પણ પોષણક્ષમ ખોરાક નજીકમાં જ મળી રહે છે. ડીસીએફ પ્રશાંત તોમરે ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં પણ ગીરના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરીને તબક્કાવાર રીતે આ મિકેનિકલ કટિંગ અને ઘાસારોપણની કામગીરી આગળ ધપાવવામાં આવશે, જેથી ગીરના વન વૈભવને વધુ સમૃદ્ધ બનાવી શકાય.