Gujarat

જામનગર બચુનગરમાં 12,000 ચો.મી. ગેરકાયદેસર બાંધકામ તોડી 2 કરોડની જમીન ખુલ્લી કરાઈ

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે.

આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા એક ધાર્મિક સ્થળ (જમાતખાના)નું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં બે માળ સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમની મુલાકાત બાદ જામનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.