Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની રણનીતિ! ‘કમલમ‘માં નિરીક્ષકો અને મીડિયા ઇન્ચાર્જની મહત્ત્વની બેઠક યોજાઈ

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણૂક માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી કામગીરી, ઉમેદવારોની પસંદગી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

‘નો રીપીટ થિયરી’ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી

બેઠકમાં પ્રદેશ મોવડી મંડળ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ઉમેદવારી માટે સાંસદ (સ્ઁ) અને ધારાસભ્ય (સ્ન્છ)ની ભલામણ માન્ય ગણાશે નહીં. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દબાણ કે ભલામણ વગર માત્ર જીતે તેવા, લોકપ્રિય અને કાર્યકર આધાર ધરાવતા ઉમેદવારોને જ ટિકિટ આપવામાં આવશે. ટિકિટ ઇચ્છુકોને પણ શિસ્તબદ્ધ રીતે પોતાની રજૂઆત કરવા સલાહ આપવામાં આવી હતી. ખાસ નોંધનીય બાબત એ રહી કે બેઠક દરમિયાન ૬૦ વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ ન આપવા મુદ્દે અથવા ‘નો રીપીટ થિયરી’ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી, જેના કારણે આ મુદ્દે પાર્ટીમાં હજુ સ્પષ્ટતા નથી તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

નિરીક્ષકોને તેમની નિમણૂક અંગેની સત્તાવાર જાણ ઇમેલ મારફતે કરાશે

ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક અંગે બેઠકમાં મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓ અને વિસ્તારો માટે નિરીક્ષકો નક્કી કરવામાં આવ્યા છે, જેમને પોતાના વિસ્તારમાં જઈને સ્થાનિક પરિસ્થિતિ, સંગઠન અને સંભવિત ઉમેદવારો અંગે માહિતી એકત્રિત કરીને રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી છે. આ નિરીક્ષકોને તેમની નિમણૂક અંગેની સત્તાવાર જાણ ઇમેલ મારફતે કરવામાં આવશે.

કોબા સ્થિત ‘શ્રી કમલમ’ કાર્યાલય ખાતે ‘મીડિયા કાર્યશાળા’ યોજાઈ

આ સાથે ભાજપ દ્વારા મીડિયા મોરચે પણ સક્રિયતા વધારવામાં આવી છે. ગાંધીનગરના કોબા સ્થિત ‘શ્રી કમલમ’ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા તથા મહાનગરના મીડિયા ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ માટે ‘મીડિયા કાર્યશાળા’ યોજાઈ હતી. આ કાર્યશાળામાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા મારફતે સંગઠનાત્મક તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી અસરકારક રીતે જનતા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિશ્વસનીય માહિતી જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહ્વાન

પ્રદેશ અધ્યક્ષ દ્વારા ખાસ કરીને વિપક્ષના ભ્રામક અપપ્રચાર સામે સંપર્ક, સંવાદ અને સંકલન દ્વારા મીડિયા મારફતે સાચી માહિતી જમીન સ્તર સુધી પહોંચાડવા હાકલ કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે મીડિયા વિભાગની દૈનિક કામગીરી અને કાર્યપદ્ધતિ અંગે વિગતવાર સમજ આપી, તેમજ સચોટ અને વિશ્વસનીય માહિતી જન જન સુધી પહોંચાડવા માટે કાર્યકરોને આહ્વાન કર્યું હતું. આ બંને બેઠક અને કાર્યશાળાથી ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવનારી ચૂંટણી માટે પાર્ટી સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરવા જઈ રહી છે અને દરેક સ્તરે વ્યૂહરચના મજબૂત કરવામાં આવી રહી છે.