Gujarat

લોકસભામાં સાંસદ હરિભાઈ પટેલની માગ

મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવે

સાંસદ હરિભાઈ પટેલે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રીનું ધ્યાન મહેસાણાની યુનિવર્સિટીઓ, એન્જિનિયરિંગ સંસ્થાઓ અને ત્યાંના પ્રતિભાશાળી યુવાનો તરફ આકર્ષિત કર્યું હતું. આજે જ્યારે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે સાંસદ હરિભાઈ પટેલે ગૃહના માધ્યમથી કેન્દ્રીય મંત્રી સમક્ષ માંગ કરી હતી કે, સંસદીય ક્ષેત્ર મહેસાણામાં એક “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર” ની સ્થાપના કરવામાં આવે.

દિન-પ્રતિદિન AIનો પ્રયોગ વધી રહ્યો છે

આ સેન્ટરની સ્થાપના થવાથી મહેસાણા લોકસભા ક્ષેત્ર અને તેની આસપાસના તમામ યુવા છાત્રો અને છાત્રાઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રત્યે જાગૃત બની શકશે અને સાથે જ આ આધુનિક વિષયમાં જરૂરી શિક્ષણ પણ મેળવી શકશે એવી આશા તેમણે વ્યક્ત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, વર્તમાન સમયમાં શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે દિન પ્રતિદિન છૈંનો પ્રયોગ વધી રહ્યો છે.ત્યારે મહેસાણા લોકસભાના નાગરિકોને ટેકનોલોજીનો મહત્તમ લાભ મળી શકે તે માટે આ સેન્ટર સ્થાપવાની માંગ કરવામાં આવી હતી.