અમદાવાદમાં કારચાલકે બાઈકને ટક્કર મારતા યુવક પડ્યો ને બાઈક બોનેટમાં ફસાયું, લોકોએ ઉભો રાખી બરાબરનો ખખડાવ્યો
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર પકવાન બ્રિજ ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જાેરદાર ટક્કર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને ૫૦થી ૬૦ મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના નરોડા દહેગામ રોડ ઉપર સનરાઈઝ ડુપ્લેક્સમાં રહેતા કમલેશભ ખાનીયાખાણીયા શ્યામલ ચાર રસ્તા ઉપર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે. આજે સવારે તેઓ જીય્ હાઇવે ઉપર પકવાન બ્રિજ પર બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક લાલ કલરની ફોક્સવેગન કારચાલક દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. જેના કારણે થઈને કમલેશભાઈ બાઈક પરથી નીચે પડી ગયા હતા, પરંતુ તેમનું બાઈક કારની આગળના બોનેટના ભાગે ફસાઈ ગયું હતું અને કારચાલકે બેફામપણે કાર બાઈકની સાથે જવા દીધી હતી.
કારચાલક ફસાયેલું બાઈક સાથે લઈને આગળ નીકળી ગયો
કમલેશભાઈ રોડ ઉપર પટકાતા તેમને માથાના, કપાળના અને શરીરના અલગ અલગ ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા. કારચાલક ફસાયેલું બાઈક સાથે કાર લઈને આગળ નીકળી ગયો હતો ત્યારે અન્ય એક વાહનચાલક દ્વારા તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને તેને રોકવામાં આવ્યો હતો.
કારચાલકે રોડની વચ્ચે ગાડી ઉભી રાખી અને ત્યારબાદ તેણે બાઈક કાઢવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તે બાઈકને સાઈડમાં મુકીને ત્યાંથી ફરાર થઈ શકે. અકસ્માત સર્જતા તેને એ પણ ધ્યાન રહ્યું નહતું કે બાઈક કારના આગળના ભાગમાં ફસાઈ ગઈ છે. સ્થાનિક લોકોએ તેને ઉભો રાખી ખખડાવ્યો પણ હતો. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જીય્ ૧ ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી છે.

