Gujarat

જૂનાગઢ ભવનાથ રોડ પર વાહન ચાલકોના શ્વાસ અદ્ધર

​જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગઇકાલે(31 માર્ચ) મોડી રાત્રે સિંહોનું ટોળું રસ્તા પર આવી જવાની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક વીડિયોમાં છ જેટલા સિંહો એકસાથે ભવનાથ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે.

આ ઘટના માત્ર 7 સેકન્ડમાં બની હતી, જેમાં વાહનોની લાઈટો અને ઘોંઘાટથી ગભરાયેલા સિંહો દિવાલ અને લોખંડની જાળી કૂદીને જંગલમાં નાસી છૂટ્યા હતા. આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે વન વિભાગ ભલે કાગળ પર ઈકો-ઝોન અને સુરક્ષાના મોટા દાવા કરતું હોય, પણ વાસ્તવિકતામાં વન્યજીવો રસ્તા પર ભગવાન ભરોસે છે.

​વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સિંહોનું ટોળું રસ્તો ઓળંગી રહ્યું હતું, ત્યારે વાહનોની અવરજવર ચાલુ હતી. અચાનક સિંહોને સામે જોઈ વાહનચાલકોએ તાત્કાલિક બ્રેક મારી દેવી પડી હતી. જો સેકન્ડના સોમા ભાગની પણ ચૂક થઈ હોત, તો સિંહો વાહનોની અડફેટે આવી શક્યા હોત અથવા કોઈ બાઈક ચાલક પર હુમલો થવાની પૂરેપૂરી શક્યતા હતી. ત્રણ સિંહો દિવાલ કૂદી ગયા અને બાકીના ત્રણ લોખંડની જાળીમાંથી પસાર થઈ ગયા, જે દર્શાવે છે કે સિંહો પણ આ અચાનક આવી પડેલા વાહનોથી ગભરાયા હતા.