Gujarat

પાછોતરા વરસાદના કારણે દેશી મરચાની ઓછી આવક થતા મરચાના ભાવમાં કિલે રૂા.100થી 300નો તોતિંગ વધારો

પોરબંદરની બજારમાં બારેમાસ ભરવા માટેના આખા મરચા, હળદર, ધાણા, જીરું, રાય, હિંગ સહિતની ચીજ વસ્તુઓની સિઝન શરૂ થઈ છે ત્યારે બજારમાં મરચાના ભાવ સાંભળીને ગૃહિણીઓ ચોંકી ઉઠે છે. મરચાના ભાવમાં કિલે રૂ. 100 થી લઈને રૂ.300 સુધીનો ભાવ વધારો આવ્યો છે. પાછોતરા વરસાદના કારણે સ્થાનિક કક્ષાએથી મરચાની આવક નથી અને કર્ણાટકથી આવતા મરચાની આવક પણ ઓછી છે જેને કારણે ભાવમાં વધારો થયો હોવાનું વેપારીએ જણાવ્યું છે. વેપારીના જણાવ્યા મુજબ સિઝન દરમ્યાન જિલ્લામાં 6 થી 7 લાખ કિલો મરચાનું વેચાણ થાય છે ત્યારે મરચાના ભાવમાં થયેલ તોતિંગ વધારાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

ભોજનમાં મરચા, હળદર, જીરું, ધાણા, હિંગ, રાય, મેથી જેવા મસાલા ન હોય તો ભોજન સ્વાદ વિનાનું લાગે છે. પોરબંદર જિલ્લામાં ગૃહિણીઓ વર્ષ ભરનો મસાલો તૈયાર કરવા આખા મરચા, ધાણા, હળદર, મેથી, જીરું, હિંગ, રાય સહિતના મસાલાની ખરીદી કરે છે. હોળીના તહેવાર બાદ આ આખા મસાલાની સિઝન શરૂ થઈ છે. પોરબંદરમાં શીતલાચોક ખાતે આખા મસાલાના વેચાણ માટેની બજાર ભરાઈ છે.

લોકો આખા મસાલાની ખરીદી કરી તડકે સૂકવી મસાલા દળાવવાની પ્રથા હજુ ચાલી આવે છે. હાલ આ સિઝન શરૂ થતા બજારમાં ખરીદી શરૂ થઈ છે, પરંતુ મરચાનો ભાવ સાંભળીને ગૃહિણીઓ ચોંકી ઉઠે છે.મરચામાં આ વખતે કિલોએ રૂ. 100 થી રૂ.300નો ભાવ વધારો નોંધાયો છે. જેમાં તીખા મરચામાં કિલોએ રૂ.100, રેશમ પટ્ટો મરચામાં કિલોએ રૂ.150 અને કાશ્મીરી મરચામાં તો કિલોએ રૂ.300નો ભાવ વધારો નોંધાયો છે.