અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને ગિફ્ટ સિટીની ખાનગી કંપનીમાં ફરજ બજાવતા ૨૪ વર્ષીય આશાસ્પદ યુવકનું બાઇક લવારપુર રોડ પર સ્લિપ થઈ જવાથી મોત નિપજ્યું છે. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નવા એમડી આવવાના હોવાથી રવિવારે ઓફિસે ગયો હતો
મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીની ૈંદ્ગજી કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા.૨૯ માર્ચે રવિવાર હોવા છતાં ઓફિસમાં નવા એમડી આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે સાડા ચાર વાગે પોતાની કેટીએમ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. ત્યારે પરિવારને અંદાજ પણ નહોતો કે પિનાકી સાથેની આ છેલ્લી મુલાકાત હશે.
પતિના ફોન પરથી પત્નીને અકસ્માતનો ફોન આવ્યો
પિનાકી ઘરેથી નીકળ્યાના થોડા સમય બાદ તેની પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે.
અકસ્માત થતાં સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયો હતો
આ સમાચાર મળતા જ પિતા જહરલાલ અને નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે પિનાકીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબોએ તપાસ બાદ પિનાકીને મૃત જાહેર કર્યો હતો.
બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ
પોલીસની પ્રાથમિક તપાસમાં પિનાકીએ પોતાની બાઈક પૂરપાટ ઝડપે હંકારી કાબૂ ગુમાવી દેતા બાઇક રોડ પર સ્લીપ ખાઈ ગયુ હતું.હતું. આ મામલે અકસ્માતનો ગુનો નોંધી પિનાકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રની લૌકિક ક્રિયા પૂર્ણ થતા પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.

