Gujarat

સુરેન્દ્રનગરમાં વિનામૂલ્યે એનેમિયા ટેસ્ટ અને ચશ્માનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગરની શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબ સુરેન્દ્રનગર અને વિનસ ફાઉન્ડેશનના સહયોગથી વિનામૂલ્યે આંખની તપાસ, ચશ્મા વિતરણ અને એનેમિયા (HB) ટેસ્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાંથી 110થી વધુ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો.

આ કેમ્પ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટીબી હોસ્પિટલ ખાતે યોજવામાં આવ્યો હતો. હોસ્પિટલના સ્ટાફની ટીમ OPD સેવાઓ માટે હાજર રહી હતી. દર્દીઓને નિઃશુલ્ક આંખના નંબરની તપાસ કરીને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા, તેમજ એનેમિયા (હિમોગ્લોબિન) ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

આ કેમ્પને સફળ બનાવવા માટે વિનસ ફાઉન્ડેશન, સુરેન્દ્રનગરના કેકીન ગણાત્રા તેમજ વરિષ્ઠ નાગરિકો કિરીટભાઈ ત્રિવેદી, રમેશભાઈ સોમૈયા, પ્રફુલભાઈ જોષી, પ્રકાશભાઈ ભટ્ટ, કે. એન. રાજદેવ અને નિલેશભાઈ કાગડીયાનો સારો સહયોગ પ્રાપ્ત થયો હતો.