Gujarat

ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સરકારનો સંકલ્પ

ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને એક નવી અને આધુનિક દિશા આપવા માટે બહુપ્રતિક્ષિત ‘ઔદ્યોગિક નીતિ-2026’ (Industrial Policy-2026) જાહેર કરવા જઈ રહી છે. આજ રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંયુક્ત રીતે રાજ્યના આ નવા ઔદ્યોગિક રોડમેપનું સત્તાવાર લોકાર્પણ કરશે. આ નવી નીતિનો મુખ્ય હેતુ રાજ્યમાં મોટા પાયે વૈશ્વિક રોકાણ આકર્ષવાનો અને રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવાનો છે.

ગુજરાતને મળશે વૈશ્વિક ઔદ્યોગિક દિશા ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નવી નીતિ દેશ અને દુનિયાના રોકાણકારો માટે રાજ્યને વધુ આકર્ષક બનાવશે. નવીનતા (Innovation) આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે ગુજરાતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ ગંતવ્ય (Investment Destination) તરીકે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવાનો સરકારનો સંકલ્પ છે.

રોકાણ, રોજગારી અને MSME પર વિશેષ ફોકસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી ઔદ્યોગિક નીતિમાં વેપાર-ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા એટલે કે ‘Ease of Doing Business’ને વધુ સરળ અને પારદર્શક બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત નીતિના મુખ્ય પાસાઓ નીચે મુજબ રહેવાની સંભાવના છે:

  • અદ્યતન ઉત્પાદન ક્ષમતા: રાજ્યમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગને વેગ આપવા માટે વિશેષ પ્રોત્સાહનો.
  • MSME ક્ષેત્રને મજબૂતી: ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવા માટે નવી યોજનાઓ.
  • ટેક્નોલોજી અને ઉભરતા ક્ષેત્રો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી અને હાઇ-ટેક ઉદ્યોગો જેવા ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ માહોલનું નિર્માણ.