ઐતિહાસિક નગરી વડનગરના પ્રવાસીઓ માટે હવે એક નવું નજરાણું ઉમેરાયું છે, જેમાં દરરોજ સાંજે ૭:૩૦ કલાકે શર્મિષ્ઠા તળાવના કિનારે ૩૦ મિનિટનો ભવ્ય ‘વોટર લેઝર શો‘ યોજાશે. આ શોમાં ટુ-ડી અને થ્રી-ડી ટેકનોલોજીના માધ્યમથી વડનગરનો ગૌરવશાળી ઇતિહાસ, શર્મિષ્ઠા તળાવની ગાથા અને પ્રાચીન વારસાની રજૂઆત કરવામાં આવશે. જેમાં કીર્તિતોરણ, મ્યુઝિયમ અને પ્રાચીન મંદિરો જેવા સ્થાપત્યોનું ડિજિટલ નિદર્શન મુખ્ય આકર્ષણ રહેશે.લેઝર મ્યુઝિક સાથે સિંક્રોનાઇઝ થયેલી રોબોટિક્સ, ફોગ, સેન્ટર જેટ અને પીકોક જેવી વિવિધ વોટર ઇફેક્ટ્સ તેમજ મુવિંગ હેડ શાર્પી લાઈટ્સ મુલાકાતીઓ માટે એક અદભૂત દ્રશ્ય ઉભુ કરશે, વળી પ્રવાસીઓની ભીડને ધ્યાને રાખીને જરૂર જણાયે એકથી વધુ શોનું પણ આયોજન કરવામાં આવશે.
‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ના મંત્રને સાર્થક કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદની ધરતી પરથી મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર માટે તૈયાર કરાયેલા વિવિધ પ્રવાસન પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ કર્યું હતું. રાજ્યના ઐતિહાસિક વારસાને આધુનિક ઓપ આપવાના સંકલ્પ સાથે સરકારે વડનગરના વિકાસમાં વધુ એક મહત્ત્વનું સોપાન ઉમેર્યું છે.
વડનગરની ઐતિહાસિક ધરોહર સમાન શર્મિષ્ઠા તળાવ ખાતે અંદાજિત રૂ. ૨૫ કરોડના ખર્ચે અત્યાધુનિક વોટર સ્ક્રીન પ્રોજેક્શન શો વિકસાવવામાં આવ્યો છે. આ શો દ્વારા સદીઓ પહેલાની જળ સંચય અને સંરક્ષણની વૈજ્ઞાનિક પદ્ધતિઓ તેમજ વડનગરના ભવ્ય ઇતિહાસને પાણીની સપાટી પર લાઇટ અને સાઉન્ડના અદભૂત સમન્વય સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન પૂર્વજાેની એન્જિનિયરિંગ કુશળતાનો પરિચય કરાવશે જે નવી પેઢી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૬ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વડનગરને વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બનાવવાની દિશામાં આ એક નિર્ણાયક પગલું માનવામાં આવે છે. આ નવા પ્રકલ્પોના આગમનથી વડનગરમાં દેશ-વિદેશના પ્રવાસીઓનો ધસારો વધશે જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો પણ ઉભી થશે. વડનગરની ગલીઓમાં જીવંત અનુભવાતા ઇતિહાસને હવે આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રવાસીઓ માણી શકશે.

