Gujarat

મનપા કમિશનર એક્શન મોડમાં:ગંગાજળિયા તળાવ, મહિલા બાગ અને બિઝનેસ સેન્ટર સહિતના સ્થળોએ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું

શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી,

ગંદકીના થર જાેઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી

ભાવનગરનું હૃદય ગણાતા ગંગાજળિયા તળાવમાં લાંબા સમયથી જામી ગયેલી ગંદકીના થર જાેઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, તળાવની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરી જવાબદારોને નોટિસ પાઠવવામાં આવશે, તળાવની ફરતે પેવર બ્લોક લગાવવાની કામગીરી અને અન્ય જરૂરી આધુનિક ફેરફારો કરવામાં આવશે. જેથી, લોકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી આ સ્થળને એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે.

બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ ખુલ્લું કરાવાશે

રૂપમ ચોક પાસે આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં ગંદકીના સામ્રાજ્ય અને દબાણોને પગલે કડક સૂચનાઓ આપી નોટિસ પાઠવવામાં આવશે, બિઝનેસ સેન્ટરમાં બે ફ્લોરનું પાર્કિંગ હોવા છતાં વાહનો રોડ પર ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, આ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લું કરાવવા માટે આજે જ નોટિસ ફટકારવામાં આવશે, જેથી રોડ પર થતો ટ્રાફિક જામ હળવો થઈ શકે,

મહિલા બાગ વિસ્તારમાં થતા કચરાના નિકાલ અંગે પણ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે ત્યાં જમા થયેલો કચરો તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથ પર રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડી રસ્તો ખુલ્લો કરવાના આદેશો આપવામાં આવ્યા છે, શહેરમાં ક્યાં શું સમસ્યા છે તે જાણવા અમે નિયમિત રીતે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. બોરતળાવ હોય કે પીલગાર્ડન, દરેક જાહેર સ્થળને લોકો માટે સુવિધાજનક અને સ્વચ્છ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે તેમ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે.મીનાએ માહિતી આપી હતી.