ઘોઘા તાલુકાના નેસવડ ગામે દીકરાએ લીધેલા હાથઉછીના પૈસા પરત માંગવા બાબતે થયેલી માથાકૂટમાં પિતા વચ્ચે પડતા તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વરતેજ પોલીસે આ મામલે ગામના જ બે શખસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત નેસવડ ગામના વાડી વિસ્તારમાં રહીને ખેતીકામ કરતા રાજુભાઈ મેઘાભાઈ બારૈયા (ઉં.વ. 50)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગતરોજ તેમનો દીકરો યોગેશ ગામના શંકર ભગવાનના મંદિર પાસે ઉભો હતો, ત્યારે ગામના જ ભાવેશ બટુકભાઈ ડાભીએ હાથઉછીના આપેલા પૈસાની ઉઘરાણી બાબતે તેની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. દીકરા સાથે માથાકૂટ થતી જોઈ રાજુભાઈ ત્યાં વચ્ચે બચાવ કરવા પહોંચ્યા હતા. હીરાના કારખાનાના હિસાબના પૈસા મુદ્દે વાતચીત દરમિયાન ભાવેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો.
ધોકા અને ઢીકાપાટુનો માર ગાળો આપવાની ના પાડતા ભાવેશે લાકડાના ધોકા વડે રાજુભાઈના પગ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ નરેશ ઉર્ફે ટકો બટુકભાઈ ડાભી મોટરસાયકલ પર ત્યાં આવ્યો હતો અને રાજુભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો.

