Gujarat

ગત વર્ષથી 4550 દસ્તાવેજ ઓછા થયાં છતાં 419 કરોડ આવક જંત્રી દરને પગલે સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું

મહેસાણા જિલ્લામાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન 10 તાલુકામાં કુલ 70,115 દસ્તાવેજ નોંધાયા છે. આ દસ્તાવેજો પરથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી પેટે સરકારને રૂ.418.85 કરોડની તોતિંગ આવક થઈ છે. જોકે, ગત વર્ષ 2024-25ની સરખામણીએ આ વર્ષે દસ્તાવેજ નોંધણીમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષે જિલ્લામાં 74,665 દસ્તાવેજ સામે રૂ.440.23 કરોડની આવક સરકારી તિજોરીમાં નોંધાઈ હતી.

જિલ્લા સબ રજીસ્ટ્રાર કચેરીના આંકડા મુજબ, ચાલુ વર્ષ દરમિયાન નોંધાયેલા દસ્તાવેજોમાંથી નોંધણી ફી પેટે રૂ.60.02 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.358.82 કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષમાં નોંધણી ફી પેટે રૂ.64.27 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.375.94 કરોડની આવક થઈ હતી. આમ, એક વર્ષમાં 4,550 દસ્તાવેજ ઓછા નોંધાતા આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ એક કારણ, જંત્રી દરમાં વધારાના લીધે મોટા સોદામાં સ્ટેમ્પ ડ્યુટીનો ભાર વધતાં રજીસ્ટ્રેશન ધીમું પડ્યું હોવાનું મનાય છે.

સબ રજીસ્ટ્રાર કચેરીના સૂત્રો મુજબ, દસ્તાવેજ નોંધણીમાં આવો ફેરફાર સામાન્ય અપ-ડાઉનનો ભાગ માનવામાં આવે છે. જિલ્લામાં જમીન, મકાન, પ્લોટના ખરીદ-વેચાણ અને મિલકત ફેરફારના સોદાઓમાં ગતિ લગભગ સ્થિર રહી છે. મહેસાણા મહાનગરપાલિકા બન્યા પછી પણ રહેણાંક તેમજ કોમર્શિયલ મિલકતોના સોદામાં મોટો ફેરફાર દેખાયા નથી.