સુરત જિલ્લાની કડોદરા-ચલથાણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે વોર્ડ નંબર 6 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અંકુરભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગામના માજી સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ પટેલ, ભોળાભાઈ ભરવાડ, તેમજ વિવિધ બૂથ પ્રમુખો અને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં રિબન કાપીને કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

કાર્યાલયના ઉદ્ઘાટન બાદ મીડિયા સાથે વાતચીત કરતા અંકુરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી માટે ભાજપ સંપૂર્ણ રીતે સજ્જ છે. તેમણે કડોદરા નગરની 28 માંથી 28 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
અંકુરભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, કડોદરા નગરપાલિકાના તમામ વોર્ડમાં ભાજપનું સંગઠન ખૂબ જ મજબૂત છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ 28 બેઠકો પર વિજય મેળવશે.
ચૂંટણી કાર્યાલય શરૂ થતાની સાથે જ ભાજપના કાર્યકરો હવે ઘરે-ઘરે જઈને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડશે.

