Gujarat

મોરબીમાં વીજધાંધિયાથી રહીશો લાલઘૂમ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોઓરડી પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે રોજેરોજ સર્જાતી વીજ સમસ્યાએ રહીશોની ધીરજ ખૂટવી દીધી હતી. છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ તંત્રની બેદરકારીને કારણે આખેઆખો દિવસ વીજળી ગુલ રહેતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

સ્થાનિક રહીશોએ ઉચ્ચ વીજ અધિકારી ડે. એન્જિનિયર અંબાણીને ફોન કરીને આક્રોશ સાથે જણાવ્યું હતું કે, “જો તંત્ર વીજળીના બિલમાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપતું હોય તો અમે આ અંધારપટ મુંગા મોઢે સહન કરી લઈએ.”

રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી હતી કે, અન્ય વિસ્તારોની જેમ જ અમે પૂરેપૂરું બિલ ભરીએ છીએ તો અમારે જ કેમ વારંવાર વીજ કટોકટીનો સામનો કરવો પડે છે? ભડિયાદ ફીડરમાં વારંવાર થતા ભડાકા અને ફોલ્ટને કારણે બાળકો, વૃદ્ધો અને દર્દીઓની હાલત કફોડી બની હતી.

સ્ટાફ પેટ્રોલિંગમાં હોવાના અધિકારીના દાવા છતાં કલાકો બાદ લાઈટ આવી બપોરના ત્રણ વાગ્યાથી લાઈટ ગુલ હોવા અંગે અધિકારી એમ.પી. મહેતાએ જણાવ્યું હતું કે, સ્ટાફ લાઈન પર છે અને પેટ્રોલીંગ કરી પાવર ચાલુ કરાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, અધિકારીના આ જવાબના કલાકો બાદ માંડ વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થયો હતો.