અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. ૧૪ માર્ચ ૨૦૨૫ ના રોજ તેમના દિલ્હી સ્થિત ઘરમાં લાગેલી આગમાં ૫૦૦-૫૦૦ની નોટોના બંડલ બળેલા મળ્યા હતા. આ વિવાદ બાદ તેમને દિલ્હી હાઈકોર્ટથી અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમણે ૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટમાં શપથ લીધા હતા. જાેકે, તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી ન હતી. જ્યાં સુધી તેમની સામે ચાલી રહેલી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને ન્યાયિક કાર્યોથી દૂર રાખવામાં આવ્યા હતા. જસ્ટિસ વર્માએ રાષ્ટ્રપતિને રાજીનામું ક્યારે મોકલ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ મીડિયામાં આ માહિતી શુક્રવારે આવી.કેશ કાંડમાં નામ આવ્યા બાદ જસ્ટિસ વર્મા વિરુદ્ધ લોકસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેમણે પોતાની વિરુદ્ધ લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવને પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બંને ગૃહોમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ રાજ્યસભાએ તેને મંજૂર કર્યો ન હતો. તેમ છતાં લોકસભાએ એકલા હાથે તપાસ સમિતિ બનાવી, જે તેમના મતે ખોટું છે.
પછી આ જ વર્ષે ૬ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તપાસ સમિતિની રચનામાં કેટલીક ખામીઓ જાેવા મળે છે. જાેકે, કોર્ટ એ જાેશે કે શું આ ખામી એટલી ગંભીર છે કે આખી કાર્યવાહી રદ કરવામાં આવે.સુપ્રીમ કોર્ટે ૮ જાન્યુઆરીએ જસ્ટિસ વર્માની અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે બે દિવસની સુનાવણી બાદ આ ર્નિણય લીધો હતો. જાેકે, બેન્ચે જસ્ટિસ વર્માને સંસદીય સમિતિ સમક્ષ જવાબ દાખલ કરવા માટે સમય વધારવાની ના પાડી દીધી હતી.૭ જાન્યુઆરીએ કોર્ટે કહ્યું હતું કે લોકસભા સ્પીકર દ્વારા ગઠિત સંસદીય તપાસ પેનલમાં કેટલીક ખામીઓ દેખાય છે.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જજીસ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ લોકસભા સ્પીકર પાસે એ અધિકાર છે કે તેઓ જસ્ટિસ વર્મા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે સમિતિ ગઠિત કરી શકે, ભલે રાજ્યસભામાં આવો જ પ્રસ્તાવ રદ થઈ ચૂક્યો હોય.આ પહેલા સુપ્રીમ કોર્ટે ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ લોકસભા સ્પીકર ઓમ બિરલાને નોટિસ જારી કરી. જસ્ટિસ દીપાંકર દત્તા અને એજે મસીહની બેન્ચે લોકસભા સ્પીકર કાર્યાલય અને બંને સદનોના મહાસચિવો પાસેથી જવાબ માંગ્યો હતો. જસ્ટિસ દત્તાએ પૂછ્યું હતું કે- રાજ્યસભામાં પ્રસ્તાવ નામંજૂર થયો હોવા છતાં લોકસભામાં સમિતિ બનાવવામાં આવી. સંસદમાં આટલા બધા સાંસદો અને કાયદાકીય નિષ્ણાતો હાજર હતા, પરંતુ કોઈએ આ તરફ ધ્યાન આપ્યું નહીં, સંસદમાં હાજર કાયદાકીય નિષ્ણાતોએ આવું થવા કેવી રીતે દીધું?

