Gujarat

પોલીસની શી ટીમે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી ૨૨૫ મહિલાનું કાઉન્સેલિંગ કર્યું

ગાંધીનગર પોલીસ દ્વારા કાર્યરત ‘શી ટીમ’ શહેરની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાજેતરમાં શી ટીમ દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓના આંકડા પર નજર કરીએતો ખુબજ સરાહનીય કામગીરી કરી છે.ગુજરાત પોલીસની SHE Team (શી ટીમ) અત્યારે ગાંધીનગર શહેરની મહિલાઓ, બાળકો અને વડીલો માટે સાચા અર્થમાં એક રક્ષક અને સાથીદાર સાબિત થઈ રહી છે. મહિલાઓની સુરક્ષા અને વડીલોની સેવા માટે ખાસ બનાવવામાં આવેલી આ ટીમની કામગીરીના આંકડા જાેતા જ ખ્યાલ આવે છે કે તેઓ દરેક ક્ષેત્રમાં સક્રિય છે.

એક વર્ષમાં ઘરેલું હિંસા અને પરિવારના ઝઘડા જેવી સંવેદનશીલ બાબતોમાં શી ટીમે ૨૨૫ જેટલા કિસ્સાઓમાં સમજાવટ અને કાઉન્સેલિંગ કરીને અનેક પરિવારોને વિખેરાતા બચાવ્યા છે. એટલું જ નહીં, બાળકોની સુરક્ષા માટે શહેરની અલગ-અલગ શાળાઓમાં ૨૨૭ જેટલા ‘ગૂડ ટચ-બેડ ટચ’ ના કાર્યક્રમો યોજીને બાળકોને સ્વ-રક્ષણના પાઠ ભણાવ્યા છે.

જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ ખાસ પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરે છે. બસ સ્ટોપ, બગીચા અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ખાસ નજર રાખવામાં આવે છે. ખાસ કરીને જ્યારે સ્કૂલો છૂટતી હોય ત્યારે ૬૭૫ જેટલી વાર ટીમે પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો પર લગામ કસી છે. આ ટીમની ખાસિયત એ છે કે ગરબા, ઉત્સવો કે ભારે ભીડવાળા સ્થળોએ મહિલા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં રહીને ગુપ્ત વોચ રાખે છે, જેથી કોઈને ખબર પણ ન પડે માત્ર યુવાનો જ નહીં, પણ વડીલો માટે પણ શી ટીમ એક મોટો સહારો છે. શહેરમાં એકલા રહેતા ૬૧૫ જેટલા સિનિયર સિટીઝન્સના ઘરે જઈને ટીમે રૂબરૂ મુલાકાત લીધી છે અને તેમની સુખાકારી તથા જરૂરિયાતો વિશે પૂછપરછ કરી છે.

આ ઉપરાંત ૪૫ વાર વૃદ્ધાશ્રમોની મુલાકાત લઈને ત્યાંના વડીલોને હૂંફ પૂરી પાડી છે. આમ, ગાંધીનગરની શી ટીમ માત્ર કાયદો જ નથી જાળવતી, પણ ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓને કાઉન્સેલિંગથી લઈને છેડતી વિરોધી ઝુંબેશ અને વડીલોની સેવામાં સતત ખડેપગે રહીને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરી રહી છે.