Gujarat

સુરત SOG એ 1.76 કરોડનો ગાંજો ઝડપ્યો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત ગ્રામ્ય SOG શાખાએ નશાના કાળા કારોબાર સામે કાર્યવાહી કરી છે. સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ SOG એ પલસાણા ચાર રસ્તા પાસેથી ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી રૂ.1.60 કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડી આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.

ચૂંટણી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. SOG પી.આઈ. એલ.ડી. ઓડેદરા અને પી.એસ.આઈ. જે.કે. રાવની ટીમે ચોક્કસ બાતમીના આધારે પલસાણા ચાર રસ્તા ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટ્રક (નંબર MH-20-GC-1026) ને અટકાવી તલાશી લેવામાં આવી હતી.

પોલીસે ટ્રકમાંથી 321.774 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજો શોધી કાઢ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ.1,60,88,700/- જેટલી થાય છે. આ ઉપરાંત ટ્રક, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ. 1,76,39,600/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં સાહિલ રજાક પઠાણ અને અફરોઝ અય્યુબ પઠાણ (બંને રહે. જાલના, મહારાષ્ટ્ર) નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જથ્થો વોન્ટેડ આરોપી અરબાઝ પઠાણના કહેવાથી ઓરિસ્સાના ભુવનેશ્વર (ખુર્દા) પાસેથી આલોક નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો પહેલા સુરતના સચિન વિસ્તારમાં આપવાનો હતો, પરંતુ બાદમાં સૂચના મળતા તેને વાસદ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.