સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગત 3 ફેબ્રુઆરીના રોજ રેલવે ટ્રેક પરથી મળી આવેલી યુવાનની લાશના કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતક યુવાનના ખિસ્સામાંથી મળી આવેલી સુસાઈડ નોટમાં પત્નીના ત્રાસનો ઉલ્લેખ મળતા પોલીસે હવે પત્ની વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. પત્ની સાથેના સતત ઝઘડાથી કંટાળીને યુવાને મોત વહાલું કર્યું હોવાનું બહાર આવ્યું છે.
લગ્નના 15 દિવસમાં જ સુરત આવ્યા, પત્ની ઝઘડા કરતી હતી મળતી માહિતી પ્રમાણે મૂળ યુપીના પ્રતાપગઢના રહેવાસી મોતીલાલ ગૌતમે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પુત્ર નિખિલે તેના જ ગામની સુહાની નામની યુવતી સાથે ગત 7 મે, 2024ના રોજ મંદિરમાં પ્રેમલગ્ન કર્યા હતા.
લગ્નના 15 દિવસ બાદ આ નવદંપતી રોજગારી માટે સુરત આવ્યું હતું અને લિંબાયતના શાંતિનગરમાં રહેવા લાગ્યું હતું. નિખિલ અહીં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, સુખદ દાંપત્ય જીવનની આશા રાખનારા નિખિલના જીવનમાં થોડા જ સમયમાં કલેશ શરૂ થઈ ગયો હતો.
પિતાએ પુત્રનો ફોટો જોઈ ઓળખ કરી નિખિલ ગુમ થયો હોવાની જાણ થતા તેના પિતા 10 ફેબ્રુઆરીએ સુરત દોડી આવ્યા હતા. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે 3 ફેબ્રુઆરીએ કતારગામ રેલવે ટ્રેક પર એક અજાણ્યા યુવકનું ટ્રેન નીચે કપાઈ જવાથી મોત થયું હતું. પોલીસે જ્યારે મૃતકનો ફોટો બતાવ્યો ત્યારે મોતીલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, તે તેમનો વહાલસોયો પુત્ર નિખિલ જ હતો. પોલીસે નિખિલના ખિસ્સામાંથી અંગ્રેજીમાં લખેલી એક સુસાઈડ નોટ જપ્ત કરી હતી.

