જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગે થોડીવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં, ફાયર શાખાની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ સવારે ૬:૩૮ વાગ્યે ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો. સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગ સમયસર કાબુમાં આવી જતાં અન્ય વિભાગોમાં પ્રસરતી અટકી હતી. હેલ્થ વિભાગની ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર, કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા હતા. આ આગમાં જિલ્લા પંચાયતની કચેરીને રૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

