પાટણ નગરપાલિકામાં ચાલુ નાણાકીય વર્ષની શરૂઆત પ્રોત્સાહક આંકડાઓ સાથે થઈ છે. પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરનારા નાગરિકો માટે જાહેર કરવામાં આવેલી એડવાન્સ વેરાની યોજનાને શહેરીજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 20 દિવસમાં જ વસૂલાતના તમામ જૂના રેકોર્ડ તૂટ્યા છે. પાલિકાના સત્તાવાર આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે એડવાન્સ વેરાની આવકમાં લાખોનો ઉછાળો નોંધાયો છે.
પાટણ પાલિકાના રેવન્યુ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માં 1 થી 20 એપ્રિલ દરમિયાન કુલ રૂ.3,33,25,453 ની એડવાન્સ વેરાની વસૂલાત કરવામાં આવી હતી. જેની સામે ચાલુ વર્ષ 2026-27 માં 1 થી 20 એપ્રિલ સુધીમાં જ આ આંકડો સીધો રૂ.4,81,99,839 પર પહોંચી ગયો છે. આમ, ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ચાલુ વર્ષે રૂ.1,48,74,386 જેટલી વધુ રકમ પાલિકાની તિજોરીમાં જમા થઈ છે.

