ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસના આરોપી અર્પિતકુમાર નટવરભાઈ પટેલને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગ બનનાર સગીરાને ૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું
આ કેસની વિગત મુજબ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ખરોડ ગામનો આરોપી અર્પિતકુમાર પટેલ ૨૨ મે, ૨૦૨૨ની રાત્રે માણસાના વિહાર ગામની ૧૬ વર્ષ અને ૩ માસની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં આરોપી સગીરાને સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે સગીરાના વાલીએ માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને તપાસના અંતે ગાંધીનગરની પોક્સો કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલ્યો હતો.
સગીરાને ૪ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો
જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનીલ એસ. પંડ્યાએ દલીલ કરેલી કે, આરોપીએ સગીરાની નાની ઉંમરનો ગેરલાભ ઉઠાવીને અત્યંત ગંભીર ગુનો આચર્યો છે. સમાજમાં આવા દાખલારૂપ કિસ્સાઓમાં કડક સજા થવી અનિવાર્ય છે જેથી અન્ય લોકો આવા કૃત્યો કરતા અટકે. જે દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદની સજા તેમજ ભોગ બનનાર સગીરાને ૪ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

