Gujarat

ગૃહમંત્રી અમિત શાહ સહપરિવાર સોમનાથ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે ગીર સોમનાથ જિલ્લામાં આવી પહોંચ્યા છે. રાજકોટના હીરાસર એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા સોમનાથ હેલિપેડ ખાતે તેમનું આગમન થયું હતું. આગમન બાદ તેઓ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે.

હેલિપેડ પર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની રૂપરેખા આવતીકાલે સવારે 10:00 વાગ્યે અમિત શાહ સોમનાથ મહાદેવના મંદિરે પહોંચશે. અહીં તેઓ દર્શન અને પૂજા-અર્ચના કરશે તથા ભગવાન સોમનાથનો જળાભિષેક કરી આશીર્વાદ મેળવશે. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ સવારે 11:00 વાગ્યે તેઓ પરત પ્રસ્થાન કરશે.

સોમનાથ મહાદેવ પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવતા અમિત શાહ ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ અચૂક અહીં દર્શનાર્થે આવે છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યો અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ તેઓ ફરી એકવાર મહાદેવના શરણે પહોંચ્યા છે. તેમની આ મુલાકાત માત્ર વ્યક્તિગત આસ્થા જ નહીં, પરંતુ પ્રાચીન ધાર્મિક પરંપરાઓ પ્રત્યેના લગાવને પણ દર્શાવે છે.