માંડવી તાલુકાના તડકેશ્વર ગામના રોડ ફળિયા વિસ્તારમાં એક બંધ રહેણાક મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ 32 તોલા સોનું અને એક લાખ રોકડાની ચોરી કરી હતી. આ ઘટનામાં કુલ રૂ. 8.20 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામમાં કીમ-માંડવી મેઈન રોડ પર આવેલા રોડ ફળિયામાં રહેતા 53 વર્ષીય ઈલ્યાસ ઈસ્માઈલ કારા ખેતીકામ કરે છે. તેમનું મકાન બે દિવસથી બંધ હતું, જેનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
ચોરોએ મકાનના ઉપરના માળે મુખ્ય દરવાજાનું તાળું નકૂચા સાથે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ બેડરૂમમાં રાખેલી લોખંડની તિજોરીને નિશાન બનાવી હતી. તિજોરીના નીચેના ભાગે આવેલા ત્રણ લોકરનાં ખાનાં તોડી તેમાંથી રૂ. 7,20,000ના સોનાના વિવિધ દાગીના અને રૂ. 1,00,000 રોકડાની ચોરી કરી હતી.

આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તડકેશ્વર પોલીસે આ મામલે ગુનો દાખલ કર્યો છે અને હાલમાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એચ. સોલંકી દ્વારા કેસની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. રહેણાક વિસ્તારમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં સુરક્ષા અંગે ચિંતા જોવા મળી રહી છે.

