Gujarat

સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું

સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં જમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં નિદ્રાધીન યુવક પર પથ્થર ઝીંકી હુમલો કરનાર કચરો વીણતા શખ્સને સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને તેની ચાલવાની વિશિષ્ટ ઢબના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે.

આરોપીએ માથા અને છાતીના ભાગે મોટો પથ્થર ઝીંક્યો આ ઘટના પાછળ રાત્રિના સમયે ભોગ બનનાર અને આરોપી વચ્ચે જમવા બાબતે થયેલી બોલાચાલી જવાબદાર હતી. ઝઘડો શાંત થયા બાદ બંને છૂટા પડ્યા હતા, પરંતુ આરોપી બબલુ ઉર્ફે બુલ્લુએ મનમાં ખાર રાખ્યો હતો. જ્યારે યુવક સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં સૂઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ તેના માથા અને છાતીના ભાગે મોટો પથ્થર ઝીંકી દીધો હતો. હુમલો કરીને આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું 26 એપ્રિલના રોજ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

પોલીસે 50થી વધુ CCTV કેમેરા તપાસ્યા રખડતું જીવન જીવતા અજાણ્યા હત્યારાને પકડવો પોલીસ માટે પડકાર હતો. સલાબતપુરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારના 50થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ કચરો વીણતો દેખાયો હતો. જોકે તેનો ચહેરો સ્પષ્ટ નહોતો, પરંતુ તેની ચાલવાની ચોક્કસ ઢબ અને પહેરવેશના આધારે પોલીસે ફોટોગ્રાફ્સ તૈયાર કરી સ્થાનિકોમાં વહેંચ્યા હતા. આ સઘન તપાસને અંતે પોલીસે આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

કોણ છે આ આરોપી? આ હત્યા કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ બબલુ ઉર્ફે બુલ્લુ અશોક ભોલ છે. 41 વર્ષીય આ આરોપી મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના નારાયણપુર ગામનો વતની છે. રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. સલાબતપુરામાં રોકડીયા હનુમાન મંદિરની સામેના બ્રિજ નીચે રહેતો હતો અને શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ ફૂટપાથ પર સૂઈ જતો હતો. રસ્તા પરથી ભંગાર, પ્લાસ્ટિકની ખાલી બોટલો અને પૂંઠાઓ વીણીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો.