સુરતના મગદલ્લા-હજીરા બ્રિજ પર ગત મોડીરાત્રે(26 એપ્રિલ) એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગતિ પર કાબૂ ગુમાવી એક 60 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો.
પૂરપાટ ઝડપે આવતા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને અડફેટે લીધા મળતી માહિતી મુજબ, ગત રાત્રે મગદલ્લા-હજીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક એક પૂરપાટ ઝડપે આવતા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને અડફેટે લીધા હતા. ટક્કર લાગતાની સાથે 60 વર્ષીય વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
વૃદ્ધનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમનું પ્રાણપંખેરું ઘટના સ્થળે જ ઊડી ગયું હતું. લોકોમાં આ અકસ્માતને લઈને ભારે રોષ પણ જોવા મળ્યો હતો, કારણ કે હજીરા રોડ પર ભારે વાહનોની અવરજવર ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકનું નામ બચુભાઈ મેઘાભાઈ વસૈયા છે. તેઓ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના વતની હતા. રોજગારી મેળવવા માટે તેઓ સુરત આવ્યા હતા અને અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.

