Gujarat

જામનગરમાં નદીકાંઠેથી યુવાનનો મૃતદેહ મળ્યો

જામનગરના રણજીત સાગર રોડ પર પ્રણામી નગર નજીક નદી કાંઠેથી આજે 25 વર્ષીય તપેન્દ્ર જંનકર સાવન નામના યુવાનનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળેથી મૃતક યુવાનની બાજુમાંથી લોહીથી ખરડાયેલો એક પથ્થર મળી આવ્યો હતો. વધુમાં, નદીના પાણીમાંથી GJ 11 BF 6143 નંબરનું એક એક્ટિવા પણ મળી આવ્યું હતું.

આ બનાવની જાણ થતાં જ જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી એ. ડિવિઝનના પીઆઈ વી.એમ. ડોડીયા અને એલ.સી.બી.ની ટીમ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકના માથા અને પગના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન તપેન્દ્ર જંનકર સાવન (ઉં.વ. ૨૫) નેપાળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે કોઈ અજાણ્યા શખ્સે બોથડ પદાર્થ વડે માથામાં હુમલો કરીને તેની હત્યા કરી હોઈ શકે છે પોલીસે એક્ટિવાના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આસપાસના વિસ્તારોમાં કોઈ નેપાળી યુવાન ગુમ થયો છે કે કેમ તે અંગેની માહિતી મેળવવા માટે પણ પોલીસની ટીમો કાર્યરત છે.