જામનગર મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 64 બેઠકોમાંથી 60 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો છે. શહેરના 15 વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે, જેના પરિણામે શાસક પક્ષની એકતરફી સત્તા સ્થાપિત થઈ છે.
આ પરિણામોને કારણે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના અસ્તિત્વ પર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને માત્ર વોર્ડ નંબર 12 માંથી કુલ 4 બેઠકો મળી છે.
નિયમો મુજબ, મહાનગરપાલિકામાં અધિકૃત વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે કુલ બેઠકોના 10 ટકા બેઠકો હોવી જરૂરી છે. વર્તમાન પરિસ્થિતિમાં, કોઈ પણ વિપક્ષ પાસે આટલી સંખ્યા ન હોવાથી, જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના કાર્યાલયને તાળા લાગવાની સ્થિતિ સર્જાઈ છે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે શાસક પક્ષ દ્વારા ‘નામમાત્ર’ વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવાની પરંપરા પણ આ વખતે શક્ય નહીં બને.
બીજી તરફ, વિપક્ષમાંથી ચૂંટાયેલા ચાર કોર્પોરેટરોમાં આંતરિક મતભેદો અને કાનૂની પરિસ્થિતિઓ પણ ચર્ચામાં છે. કોંગ્રેસના અલતાફ ખફી અને આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી ગુજસીટોક કેસના કારણે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. તેમની મુક્તિ અને ત્યારબાદની રાજકીય સ્થિતિ અનિશ્ચિત છે.

