Gujarat

ગીર સોમનાથમાં ચોમાસા પૂર્વે તંત્ર સજ્જ, કામગીરી શરૂ

ગીર સોમનાથ જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા વ્યાપક પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છે, જેથી વરસાદી ઋતુમાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.

જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પુલો નીચે જમા થયેલો કચરો, ડ્રેનેજ લાઈનોમાં અટવાયેલી ગંદકી, કૉઝવે અને વોંકળાઓની સફાઈ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. પાણીના કુદરતી વહેણમાં અવરોધ દૂર કરીને સરળ નિકાલ સુનિશ્ચિત કરવા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, નગરપાલિકા તથા ગુજરાત મેરિટાઈમ બોર્ડ સહિતના વિભાગો સતત દેખરેખ હેઠળ કામ કરી રહ્યા છે.

નગરપાલિકા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ડ્રેનેજ હોલ્સમાં વર્ષોથી જમા થયેલા કચરાને દૂર કરવા માટે મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી વરસાદી પાણી સરળતાથી વહી શકે. અગાઉ ગટરો બ્લોક થવાથી પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને આ સફાઈ અભિયાન શરૂ કરાયું છે.