રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેપારીને ત્યાં નોકરીએ રહી પ્રથમ દિવસે જ અંદાજે 9 કિલોથી વધુ ચાંદીની ચોરી કરી નાસી જનાર મામા-ભાણેજની જોડીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી દબોચી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 કિલોથી વધુ ચાંદી અને રોકડ રકમ સહિત કુલ ₹6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજસ્થાનથી બંને આરોપીઓ નોકરી માટે આવ્યા પેડક રોડ પર રહેતા અને ‘એમ.ડી. ક્રિએશન’ નામથી ચાંદી તથા ઇમિટેશનના ઘરેણાંનો વ્યવસાય કરતા બ્રિજેશભાઈ ગજેરાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. તેમના કારીગર ભાવેશભાઈ સોનીને પાયલ (જાંજર) બનાવવા માટે 9.190 કિલોગ્રામ ચાંદી આપવામાં આવી હતી. આ કામમાં મદદ માટે ભાવેશભાઈ પાસે તે જ દિવસે સવારે રાજસ્થાનથી ભેરુસિંહ રાજપૂત અને તેનો ભાણેજ શંકરસિંહ રાજપૂત નોકરી માટે આવ્યા હતા.
કારીગર ભાવેશભાઈ જ્યારે સેમ્પલ બતાવવા વેપારી પાસે ગયા હતા, તે દરમિયાન પાછળથી આ મામો-ભાણેજ ઘરે રાખેલી તમામ ચાંદી લઈને ઘરને તાળું મારી ફરાર થઈ ગયા હતા. ભાવેશભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તાળું મારેલું જોવા મળ્યું હતું અને વારંવાર ફોન કરવા છતાં ભેરુસિંહે ફોન બંધ કરી દીધો હતો. અંતે તાળું તોડીને જોતા અંદરથી ચાંદી ગાયબ જણાતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

