રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અડપલાં અને છેડતીની ઘટના સામે આવી છે. જેમાં 14 વર્ષીય સગીરાને તેના કૌટુંબિક ભાઈએ એક તરફી પ્રેમમાં અડપલાં કરી તેના નામનું ટેટુ હાથમાં દોરવી સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ અપલોડ કરી પજવણી કરતો હોવાની ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
એટલું જ નહિ પ્રેમમાં તાબે ન થતા નરાધમે પોતાની કૌટુંબિક બહેનને કેરોસીન છાંટી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હાલ તાલુકા પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એક તરફી પ્રેમમાં પાગલ ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જો તે કોઈને જાણ કરી તો કેરોસીન છાંટીને મારી નાખીશ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સગીરાની માતાએ જણાવ્યું હતું કે, તેમની સગીર વયની દીકરી ધોરણ 10માં અભ્યાસ કરે છે અને તેમના ઘરમાં સાથે તેમનો ભાણેજ પણ રહે છે.
ભાણેજ દ્વારા સગીર વયની દીકરી સાથે બળજબરી કરી હતી અને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરી શારીરિક અડપલા કરી અવારનવાર તેની છેડતી કરી હતી. ફક્ત એટલું જ નહીં દીકરીને ધમકી આપી હતી કે, જો તુ આ બાબતની કોઈને જાણ કરીશ તો તને કેરોસીન છાંટીને જાનથી મારી નાખીશ. મારી દીકરીના એક તરફી પ્રેમમાં પાગલ બની તેને દીકરીના નામનું ટેટુ પોતાના હાથમાં દોરાવ્યું હતું અને તેના ફોટા અને દીકરીના નામ સાથે સ્ટેટસ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા છે.
આરોપી સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું આ બનાવ અંગે ફરિયાદ નોંધી તાલુકા પોલીસે તાત્કાલિક રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારના 22 વર્ષીય યુવાનની ધરપકડ કરી આજ રોજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલહવાલે કરવાનો હુકમ કરતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા તપાસના કામે આરોપીનો મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યો છે. હાલ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી અને ભોગ બનનાર કૌટુંબિક મામા-ફૂઈના ભાઈ-બહેન થતા હોવાનું અને દીકરી ધો.10માં અભ્યાસ કરતી હોવાનું તેમજ આરોપી રાજકોટમાં સ્ટીલના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે.

