Gujarat

સુરતમાં ચલાવતો દીકરીઓના કતલની હાટડી, 10 હજારમાં ઘરે આવી ગર્ભ પરીક્ષણ અને 15 હજારમાં ગર્ભપાત કરતો

સુરત શહેર અને જિલ્લામાં ચિંતાજનક રીતે ઘટતા સ્ત્રી જન્મદર (સેક્સ રેશિયો) પાછળ રામગોપાલ ખંડેલવાલ જેવા નરાધમોનું મોટું નેટવર્ક હોવાનું સામે આવ્યું છે. વરાછાના લાભેશ્વર પોલીસ ચોકી પાસે ‘મમતા મલ્ટીસ્પેશિયાલિટી’ના પવિત્ર નામે ચાલતા ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના આ ગોરખધંધા પર આરોગ્ય વિભાગે ત્રાટકીને સીલ મારી દીધું છે.

આઝાદીના આટલા વર્ષો પછી પણ સુરતની મધ્યમાં માત્ર 10 હજાર રૂપિયામાં ઘરે આવી ગર્ભ પરીક્ષણ અને 15 હજાર રૂપિયામાં ગર્ભપાત કરી આપવાનું આખું નેટવર્ક પકડાયું છે. રોગ્ય વિભાગે દરોડા પાડી આ કાળી હાટડીને સીલ કરી દીધી છે.

આ કૌભાંડમાં ઝડપાયેલો આરોપી રામગોપાલ શ્રીકિશન ખંડેલવાલ (મૂળ રહે. બાલોતરા, રાજસ્થાન, હાલ પુણા, સુરત) કોઈ ડોક્ટરની ડિગ્રી ધરાવતો નથી, તે માત્ર એક ફાર્માસિસ્ટ છે. કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે તે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વાર હોસ્પિટલના નામ બદલી ચૂક્યો છે.

શરૂઆતમાં આ કાળી હાટડી ‘સંતોષ હોસ્પિટલ’ નામે શરૂ કરાઈ હતી. બે વર્ષ બાદ તેનું નામ બદલીને ‘શિવાય મલ્ટીસ્પેશિયાલિટી’ કરવામાં આવ્યું. ગત 06 નવેમ્બર, 2025ના રોજ આ શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનો ભાંડો ફૂટતાં પોલીસે રામગોપાલની ધરપકડ કરી હોસ્પિટલ સીલ કરી હતી.

કોર્ટના હુકમથી 29 જાન્યુઆરી, 2026ના રોજ સીલ ખુલ્યું ને ફરી ગેરકાયદે ગર્ભપાતનો વેપલો શરૂ કરી દીધો હતો. 20 દિવસ પહેલા જ રામગોપાલે નફ્ફટાઈ પૂર્વક એ જ સ્થળ પર ‘મમતા મલ્ટીસ્પેશિયાલિટી’નું નવું બોર્ડ મારી ફરી પાપનો વેપલો શરૂ કરી દીધો હતો.