રાજ્યના અનેક જીલાઓના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો, જેમાં ડાંગ જિલ્લાના પ્રખ્યાત, સુંદર ગિરિમથક સાપુતારામાં પણ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. સાપુતારા સહિત તળેટીના વિસ્તારોમાં મેઘરાજાએ એન્ટ્રી કરતા સમગ્ર પંથકમાં ખુશનુમા માહોલ સર્જાયો છે.
ગુરૂવારની વહેલી સવારથી જ સાપુતારાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. સાપુતારા ઉપરાંત ગુજરાતના બીજા હિલ સ્ટેશન તરીકે જાણીતા ડોન હિલ્સ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા. તળેટીના ગામડાઓમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સાપુતારાના પ્રવાસે આવેલા પ્રવાસીઓ માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગના ડુંગરોમાં વરસાદી માહોલ જામતા પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા હતા અને વરસાદમાં ભીંજાવાનો આનંદ માણ્યો હતો. કમોસમી વરસાદ હોવા છતાં, ગિરિમથકનો નજારો વધુ મનમોહક બન્યો છે.

