જામનગરમાં ફાઇનાન્સ કંપનીમાંથી ટ્રકો લોન પર મેળવી હપ્તા ન ભરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે લાલપુર બાયપાસ પાસેથી ઝડપી પાડ્યા છે.
આરોપીઓએ ફાઇનાન્સ કંપની પાસેથી ટ્રકો લોન પર લીધા બાદ તેના હપ્તાની ચુકવણી કરી ન હતી, જેના કારણે કંપની સાથે છેતરપિંડી થઈ હતી. આ મામલે શહેરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા સહિતના સભ્યોને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ લાલપુર બાયપાસ પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી તેમને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં હીરેનભાઇ અનિલભાઇ ચોવટીયા અને નિકુંજભાઇ અનિલભાઇ ચોવટીયા (રહે. બંને: વૃંદાવનપાર્ક-૨, સુભાષપાર્ક પાછળ, જામનગર) નો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલા બંને આરોપીઓનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા છે.

